લાંબી પ્રતીક્ષા બાદ આખરે ૨૪ જૂન ૨૦૨૬ ના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ આશરે ૯ થી ૧૪ દિવસ જેટલું મોડું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 24 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, રાજપીપળા અને છોટા ઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
ચોમાસાના આગમન સાથે જ સુરત અને તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.
મોટાભાગે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે વરસાદી સિસ્ટમ વિખેરાઈ ગઈ હતી. જેથી ચોમાસાએ તેના નિર્ધારિત દિવસથી 10 દિવસ મોડા ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જો કે દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં હજુ સુધી ચોમાસું નથી પહોંચ્યું,
હવામાન વિભાગની આગાહી અને ચેતવણીભારે
વરસાદનું એલર્ટ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
પવનની ગતિ: આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આગામી ૨ થી ૩ દિવસમાં ચોમાસું વધુ આગળ વધીને મધ્ય ગુજરાત અને બાકીના ભાગોને આવરી લેશે. જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જવાની ધારણા છે.
28 જૂનથી 5 જુલાઈ સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડ તોફાની રહેશે
આ અંગે વિગતો આપતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગત 17 થી 21 જૂન વચ્ચે પ્રથમ રાઉન્ડમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાયો હતો. જે બાદ 22 જૂનથી શરૂ થયેલો વરસાદનો આ બીજો રાઉન્ડ 25 જૂન સુધી ચાલી શકે છે. જે બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ અત્યંત તોફાની રહેશે. જેમાં 28 જૂનથી 5 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
જુલાઈ મહિનાની શરૂઆતમ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે
ખેડૂતોને રાહતના સમાચાર આપતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આવનારી 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે. જો કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 30 જૂન સુધી છૂટોછવાયો જ વરસાદ પડશે, પરંતુ 1 થી 5 જુલાઈ દરમિયાનના 5 વિસ્તારોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે.
ચોમાસાના આ વિધિવત આગમનથી કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે અને ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ થવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.